-
-
-
Surat, Gujarat
Surat, Gujarat
સો કરતાં વધારે અનાથ બાળકોને શારીરિક, માનસિક, નૈતિક અને ધાર્મિક કેળવણી આપી ઉછેરવાને ખંત વ્યવસ્થાપૂર્વક પ્રયાસ થતો જોઈ મને આનંદ ને સંતોષ થયો છે. અંગ્રેજ સરકાર અને દેશી રાજ્ય હસ્તક ચાલતા કેટલાક અનાથાશ્રમો મેં જોયા છે, પણ બધી જગ્યાએ જે સારું પરિણામ જોવામાં નહોતું આવ્યું, તે મહીં જોવામાં આવ્યું છે.
બાળાશ્રમની સમિતિએ મને પણ એક ઉત્તમ સંસ્થા બતાવવાનું માન આપ્યું છે. એ જોઈને હું અતિશય ખુશ થયો છું. આ જાતની સંસ્થાઓ પૈકી મેં જોયેલી સંસ્થાઓમાં આ સૌથી સારી છે. શારીરિક કેળવણી માટેની ગોઠવણ ઘણી ઉત્તમ પ્રકારની જોઈ. બીજા કોઈ પણ બાળાશ્રમે બાળકોને આના કરતા વધારે સારા ગાલીચા અને સોનેરી ભરતકામ કરતા શીખવ્યું હોય તેની મને ખબર નથી. છોકરાઓ અને છોકરીઓની તબીયતની બહુ સંભાળ રખાતી જણાય છે. કરસ્તની અને સંગીત શીખવવાની ગોઠવણ આ જમાનાની પ્રાથમિક કક્ષાની હાજત પૂર્ણ કરે છે.
શ્રી દેવઘર અને શ્રી બી. ટેકચંદની સાથે બાળાશ્રમની મુલાકાત લીધી અને મેં જે જોયું, તેનાથી મને ઘણો આનંદ થયો છે. બાળકો આનંદી અને ઘણા સુખી દેખાય છે. વ્યવસ્થા ઘણી જ સુંદર માલૂમ પડે છે.
આજે સવારે બાળાશ્રમમાં ફરી છોકરાઓ તથા છોકરીઓને વર્ગોમાં તથા હુન્નરશાળામાં જોયા. વણાટ અને ભરતકામ સારા છે અને તે રંગ અને તરેહમાં હિન્દી છે. પશ્ચિમની નકલ નથી. હું અંતઃકરણપૂર્વક આશા રાખું છું કે આ ઘણી ઉપયોગી સંસ્થા વૃદ્ધિ પામે અને આબાદ થાય, જેથી ભવિષ્યમાં ઘણા ઉપયોગી શહેરીઓ માતૃભૂમિની સેવાને માટે બહાર પડી શકે.
ઘણા અનાથાશ્રમો જોયા. તેમાં આ આશ્રમનું સ્થાન મને અજોડ લાગ્યું. જે સેવાવૃત્તિથી અનાથોની સેવા થવી જોઈએ એ રીતે જ આ આશ્રમનું કામ થતું જોઈને ખુબ આનંદ થયો. આ આશ્રમનાં બાળકોનાં મોં પર જે ઉત્સાહ અને આનંદ મેં જોયા, તેથી મને સંતોષ થયો. આવી રીતે જ અનાથાશ્રમો ચલાવવામાં આવે તો આ બાળકો દેશને અને સમાજને ઘણા ઉપયોગી થઇ પડે, એમાં શંકા નથી. આશ્રમની સુંદર વ્યવસ્થા અને કાર્યપદ્ધતિ માટે સંચાલકોને ધન્યવાદ ઘટે છે. અને મને શ્રધ્ધા છે કે આ આશ્રમ ભવિષ્યમાં વિશાળ બનશે અને આવી બીજી સંસ્થાઓને માર્ગદર્શક થઈ પડશે.
બાળાશ્રમની મુલાકાત મેં બે પ્રસંગે લીધેલી છે અને મને કહેતા ઘણી ખુશી ઉપજે છે કે એ ખાતું હિન્દુસ્તાનમાં મારા જોયેલા ઉત્તમ ખાતા પૈકીનું એક છે. હિન્દુસ્તાનમાં જે કંઈ સુધારો, ગરીબ રૈયત અને મજૂરોને મદદકર્તા થતો ન હોય, અગર જેનો ઉદેશ તે લોકોની સ્થિતિ સુધારવાનો ન હોય, તેવો સુધારો, લડત ચલાવવા લાયકનો નથી. પણ આ ખાતું તો ઘણા ગરીબ અને કંગાળનો બોજો ઉપાડી લે છે અને તેઓને સારું આ આશ્રમ ગૃહ બક્ષે છે. એ લોકોને સારી રીતે ખવાડવા, પિવાડવા, પહેરાવવા, ઓઢાડવા તથા સારા મકાનમાં રાખવામાં આવે છે અને આ લોકમાં તથા પરલોકમાં ઉપયોગી થઇ પડે, એવું શિક્ષણ આપવામાં આવે છે. સુરતના ૪૦ ગૃહસ્થોને આવા ઉમદા અને ધર્માદા કામમાં મચ્યા રહેલા જોઈને હું ઘણો આનંદ પામુ છું ઈશ્વર તમારું કલ્યાણ કરો એવી તમારા હિતેચ્છુ જ્હોન સ્મેડલીની પ્રાર્થના છે.
શહેરની પરોપકાર વૃત્તિનો ઉમદા સ્તંભ, મહાજન અનાથ બાળાશ્રમ; શહેરના કેળવાયેલા દેશી ગૃહસ્થોને હાથે સ્થાપિત થયેલા અને ચાલતા આ બાળાશ્રમે દુષ્કાળ અને મરકીની કતલને પરિણામે નિરાધાર થયેલા અનાથ બાળકોને આશ્રયસ્થાન પૂરું પાડવાની અત્યુત્મ સેવા બજાવી છે. અણીની વખતે મોટી જવાબદારી માથે ખેંચી લેનાર બીજા મંડળો માફક આ કમિટીને પોતે જેને ભૂખમરાથી બચાવ્યા છે તેને ભવિષ્યની જિંદગીની લડાઈ માટે યોગ્ય રીતે તૈયાર કરવાની ફરજ માથે આવી પડી છે ત્યારે નાણાંની તંગી માલૂમ પડવા માંડી છે. ભયંકર દુષ્કાળના દુઃખથી જે લોકોની ઉદારવૃત્તિ ઉતેજાઈ હતી તેણે આ રખડતા છોકરાને ઉપયોગી શહેરી બનાવવા મદદ કરવા પોતાની સખાવત લંબાવવાની જરૂર છે.
આજે સાંજે આ આશ્રમની મુલાકાત લીધી, અને જે કાર્યક્ષમતાથી એનું સંચાલન કરાય છે એનાથી ખૂબ પ્રભાવિત થયો. જે શિસ્ત, અંગકસરતો અને વિવિધ વ્યવસાયો એમને શીખવાય રહ્યા છે તે બાળકોના ભાવિ જીવનના ઘડતરમાં નિઃશંક મૂલ્યવાન સિધ્ધ થવા જોઈએ. જે સંચાલન તંત્ર આ અનાથ બાળકોને ઉપયોગી એવી ભાવિ કારકિર્દી કંડારવામાં સહાયભૂત થાય છે, એમના પ્રયાસોની હું મુક્ત કંઠે પ્રશંસા કરું છું.
અનાથાશ્રમની મેં આજે મુલાકાત લીધી. મને લાગે છે કે અહીં જે પ્રકારનું કાર્ય થઈ રહ્યું છે તે સુંદર છે. આ પ્રકારનું જે કાર્ય પૂનામાં ચાલે છે તેની મને ખબર છે. હું ઈચ્છું છું કે આ આશ્રમમાં જેટલા બાળકોને મદદ અને રક્ષણ મળે છે તેટલાંને અમે પણ સહાય ને રક્ષણ આપી શકીએ.
આજરોજ વનિતા વિશ્રામ ટ્રેનિંગ કોલેજ, મુંબઈના શિક્ષક વર્ગ તથા વિદ્યાર્થિની બહેનો (સંખ્યા ૭૦) સાથે આ સંસ્થાની મુલાકાતે હું આવી હતી. મને આ સંસ્થા જોવાનો તથા તેના સંચાલન વિશે જાણવાનો લાભ મળ્યો, તે માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. જે સેવભાવથી આ સંસ્થાની સ્થાપના થઇ છે, તે જ સેવાભાવથી હજુ પણ સંસ્થાનું સંચાલન ચાલી રહ્યું છે, તે માટે સંચાલનના વ્યવસ્થાપક ભાઈશ્રીને ધન્યવાદ ઘટે છે. ગુજરાતની ઉદાર જનતા સમૃદ્ધ હોવા છતાં, આ સંસ્થાને આર્થિક મુશ્કેલીઓ છે તે જાણી કંઇક ખેદ પણ થાય છે. પરંતુ સંસ્થાના ઉત્સાહી કાર્યકરોના સદભાવથી એનું કાર્ય ઉત્તરોત્તર સંપૂર્ણ થાય તેમજ તેની ખ્યાતિ વધે અને ગુજરાતના નિરાધાર બાળકો વધુ પ્રમાણમાં લાભ લે તેવી આશા છે. પ્રભુ પ્રત્યે પ્રાર્થના કે આ સંસ્થા ફૂલે-ફાલે અને સમાજ તેમજ દેશસેવાના કાર્ય માટે સુંદર સ્વયંસેવકો ઊભા કરે.
મહાજન અનાથ બાળાશ્રમમાં આવવાનો લહાવો મળ્યો. કાર્ય સારી રીતે થઈ રહ્યું છે. કળા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આશા છે કે સંચાલક તેમજ અધિકારીઓ તેના તરફ હજુ વિશેષ ધ્યાન આપશે. બાળકોના ચહેરા પ્રફુલ્લિત હતા.
આજરોજ કતારગામના અનાથાશ્રમની મુલાકાત લીધી. આશ્રમમાં વ્યવસ્થા અને સ્વચ્છતા સારી છે. નિરાધાર બાળકો માટે આ સાર્વજનિક સંસ્થા આશીર્વાદ રૂપ છે. સામાજિક કાર્ય કરી રહેલી સંસ્થાને નાણાકીય સહાય મળવી જોઈએ. સંસ્થાને સફળતા ઈચ્છું છું. સંસ્થાના સંચાલકો આ કાર્યમાં ખૂબ રસ લે છે.
બાળાશ્રમના બાળકો સાથેનો આજનો દિવસ બહુ આનંદમય બન્યો. બાળકો ભાવિની તૈયારી કરશે. બે વૃક્ષો આજે રોપાયા. એ નવપલ્લિત થશે તેમ જીવન પણ નવપલ્લિત બનો. વૃક્ષ નિરીક્ષણ કરવું પડશે. તેનું પોષણ કરવું પડશે. આપણાં જીવનનું રક્ષણ પોષણશ્રી માતાજી-પ્રભુની દિવ્ય શક્તિ કરશે.
સુંદર રીતે સંચાલિત એવી આ સંસ્થા જોઈને ઘણો આનંદ થયો. બાળકોના સર્વાંગી વિકાસ થાય અને ખાસ કરીને તેઓ ઉલ્લાસથી આનંદી જીવન જીવતા શીખે તે માટે પ્રવૃત્તિઓ ગોઠવવા માટે સંચાલકોને અને શ્રી જાનીને અભિનંદન.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતની બાલ વાડીઓની ૨૩ શિક્ષિકાઓ અને શિશુવિહાર કેન્દ્ર દાદરના બહેન શ્રી મીરાબહેન ભટ્ટ સાથે સંસ્થાની અને બાલવાડીની મુલાકાત લેતા આનંદ થયો. સંસ્થાના સંચાલક અને બાલવાડીના શિક્ષિકા બહેન ઉમંગી અને ધ્યેયશિલ જણાયા. આવી બાલવાડી સારાયે સુરત જિલ્લામાં કદાચ આ જ હશે. બાલવાડી સાધનોથી સુસજ્જ છે. બાળકો પણ આનંદી જણાયા.