-
-
-
Surat, Gujarat
Surat, Gujarat
૨૧મી સદીમાં જીવતો માનવ-સમાજ કદાચ માનવતા વિહોણો બનતો જાય છે ને જ્યારે સંવેદનાનું અસ્તિત્વ જૂજ જગ્યાઓ પૂરતું જ દેખાઈ રહ્યું છે અને માનવતાનું ઝરણું સુકાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જીવતું જાગતું માનવતાનું તાજું ઉદાહરણ એટલે “મહાજન અનાથ બાળાશ્રમ”. ૧૨૪ વર્ષ પહેલા રોપાયેલું નાનકડું બીજ (મહાજન અનાથ બાળાશ્રમ) આજે વિરાટ વટવૃક્ષ બની ઉભુ છે. જ્ઞાતિ, જાતિ કે કુળ જોયા વિના અનાથનો નાથ બની બે હાથ લંબાવી સમાજથી ત્યજાયેલ નવજાત શિશુને રાત્રિના બાર વાગ્યે પણ પોતાની ગોદમાં લઈ સંસ્કારનું સ્તનપાન કરાવવા સદાય તત્પર રહેતી સંસ્થા એટલે આ “મહાજન અનાથ બાળાશ્રમ”.
આઇન્સ્ટાઇને કહયુ છે હું “આ બહ્યાંડના નિયમોની પાછળ એક મહાસત્તા મોજુદ છે, મનુષ્ય કરતાં વધારે બુધ્ધિ-માન છે જે માનવીને પ્રેરણા આપતી રહે છે” અને એ જ પ્રેરણા સાથે આ અનાથ બાળાશ્રમના વિચારને પ્રેરણા મળી હશે જેથી પુ.હરદેવરામ જેવા માણસને હાથારૂપ બનાવી આ કાર્ય દ્વારા સંસારને એ મહાસતાએ પોતાના અસ્તિત્વનો અહેસાસ કરાવ્યો હશે. કશાય સ્વાર્થ વિના આ ઈમારતના પાયાના પત્થર બનેલા આવા પવિત્ર આત્માઓને કોટિ-કોટિ સલામ કરતાં અંતરાત્મા ચોક્કસ ભરાઈ આવે છે.
સમાજથી ત્યજાયેલા, તરછોડાયેલા તેમજ ઉપેક્ષિત આ ઈશ્વર સહજ બાળારાજાને માનવ સહજ સુસંસ્કારોથી ઉછેરી તેનું જતન કરી, ફરી પાછા સમાજને તેની બાગડોર સોપવાનું અતિ કઠિન કાર્ય કરતી એક માત્ર સંસ્થા થકી સમાજે ગૌરવ લેવા જેવું છે. તો આવો આ અનાથ બાળાશ્રમના વટવૃક્ષની છાંયામાં, આ નિસ્વાર્થ માનવતાના અશ્વમેધ યજ્ઞમાં. એક સુસંસ્કૃત માનવી તરીકે ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઇ આહૂતિ આપીએ.
જ્યાં નાના શિશુઓને હૂંફ અને પ્રેમથી ઉછેરવામાં આવે છે. જેમનો કોઈ આઘાર નથી અથવા તો જન્મ પામ્યા પછી જેમની પાછળ એમની દેખરેખ કરનાર કોઈ નથી અથવા તો જે માતા-પિતા આર્થિક મુશ્કેલીના લીધે બાળકને ઉછેરી શકે એમ નથી હોતા ત્યારે એ લોકો બાળક પરથી પ્રેમ ઓછો કરી, બાળકને કોઈ પણ જગ્યાએ પ્રભુના ભરોસે મુકીને ચાલ્યા જાય છે. એ તમામ બાળકોને એમના માવીત્રો કે સેવાભાવી સમાજના સભ્યો આ શિશુગૃહના આશ્રયે છોડી જાય છે.
અહી સમાજના બે ભિન્ન પાસાના દર્શન થાય છે એક સમાજનો એવો વર્ગ છે જે પોતાનું પાપ છુપાવવા રતન સમા બાળકનું જતન કરવાના બદલે શિશુગૃહ માં મુકી જાય છે. તો બીજો વર્ગ એવો પણ છે જે બાળક દત્તક લઇ જિંદગીભર તેનુ જીવથી વિશેષ જતન કરે છે.
મહાજન અનાથ બાળાશ્રમ, સુરતમાં કુમાર છાત્રાલયમાં ૨૦ રૂમ છે. તેમાં દરેક રૂમમાં હવા ઉજાસ છે. બાળકો માટે પથારી, પલંગ, ચાદર, ગાદલા, કબાટ વ્યવસ્થિત રાખવામાં આવે છે. હાલમાં આ કુમાર છાત્રાલયમાં ૩૩ બાળકો નિવાસ કરે છે. એક રૂમમાં વધીને ૪ બાળકો રહે છે. બાળકોની દેખરેખ રાખવા તેમજ તેમની વ્યવસ્થા જાળવી રાખવા માટે ગૃહપતિની પણ નિમણુંક કરવામાં આવે છે.
અહી સમાજના બે ભિન્ન પાસાના દર્શન થાય છે એક સમાજનો એવો વર્ગ છે જે પોતાનું પાપ છુપાવવા રતન સમા બાળકનું જતન કરવાના બદલે શિશુગૃહ માં મુકી જાય છે. તો બીજો વર્ગ એવો પણ છે જે બાળક દત્તક લઇ જિંદગીભર તેનુ જીવથી વિશેષ જતન કરે છે.
મહાજન અનાથ બાળાશ્રમ સુરતની મૌજૂદા ઇમારતમાં હાલ ૩૬ રૂમો છે. તેમાંથી ૨૦ રૂમમાં વ્યવસ્થા છે. દરેક રૂમમાં હવા ઉજાસ, પથારી, પલંગ, ચાદર, ગાદલા, કબાટ વ્યવસ્થિત છે. હાલમાં આ કન્યા છાત્રાલયમાં સંસ્થાની ૩૫ કન્યાઓ રહી અભ્યાસ કરે છે. કન્યાઓની સાચવણી અને એમની સારસંભાળ અર્થે ગૃહમાતાઓની નિમણુંક કરવામાં આવે છે.
મહાજન અનાથ બાળાશ્રમ સુરતના આંગણે એક વ્યવસાયિક તાલીમ કેન્દ્રની શરૂઆત ૨૦૦૩થી કરવામાં આવી જેથી સંસ્થા તેમજ સમાજના અન્ય બાળકો પગભર થઈ શકે. આ તાલીમ કેન્દ્રમાં છ માસ તેમજ ત્રણ માસના ટુકા ગાળાના અભ્યાસ ચલાવવામાં આવે છે. આમાં કોમ્પ્યુટર, બ્યુટી પાર્લર, સીવણ કલાસ, ફેશન ડિઝાઇન, મોબાઇલ રીપેરીંગ, હાર્ડવેર, સોફટવેર, રેફ્રીજરેશન/એ.સી. રીપેરીંગ જેવા અભ્યાસક્રમો નો સમાવેશ કરવામાં આવે છે. જેથી આ અભ્યાસના સહકારથકી મોટું થનાર બાળક ભવિષ્યમાં કોઈના પર પણ નિર્ધારિત ન રહી ખુદ પગભર થઈ શકે અને આ માટે સંસ્થા દ્વારા આ તાલીમ કેન્દ્રમાં જરૂરી નિષ્ણાંત શિક્ષકોની પણ નિમણુંક કરવામાં આવી છે.
૧૪મી જૂન ૧૯૯૩માં સ્થાપના થયેલી આ શાળામાં વર્ષ ૨૦૨૪ સુધીમાં પૂર્વ પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંદાજિત ૪૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. શાળામાં બાળમંદિરથી જ પ્રોજેકટર દ્વારા શિક્ષણ, જીવનવ્યવહાર, હસ્તકામ, ઈન્દ્રિય શિક્ષણ જેવી પ્રવૃત્તિઓથી શરૂ કરી મૂલ્ય શિક્ષણ, કલા અને રમતગમત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા અનેક સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ પ્રકારનું પુસ્તકીય તેમજ વ્યવહારુ પ્રાયોગિક પ્રશિક્ષણ આપવામાં આવે છે.
શાળામાં ઘણી બધી પાયાની જરૂરિયાતો તેમજ આવશ્યક ભૌતિક સુવિઘાનું ચીવટપૂર્વક ધ્યાન રાખવામાં આવે છે જેમ કે સંપૂર્ણ હવા-ઉજાસવાળા વર્ગખંડો, પુસ્તકાલય, પ્રયોગશાળા, વાતાનુકૂલિત કોમ્પ્યૂટર સેન્ટર, રમતગમતનું વિશાળ મેદાન અને સ્વાસ્થ્યપ્રદ શુદ્ધ પીવાનું પાણી જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. તેમજ એજયુકેશન ટેકનોલોજીના અમલ દ્વારા શિક્ષણને ગતિશીલ અને ચેતનવંતુ બનાવી અપેક્ષિત પરિણામની પ્રાપ્તિ માટે શાળામાં “ Teach Next " અંતર્ગત E-learning પ્રોગામ દ્વારા બાળકોને દૃશ્ય-શ્રવણ શિક્ષણ આપવાનું પ્રશંસનીય કાર્ય શાળાએ શરૂ કર્યુ છે. કુલ ૧૨ વર્ગખંડોમાં આ પ્રોગ્રામ દ્વારા બાળકો વિવિધ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. સમયાંતરે સુરત તેમજ આજુબાજુના વાલી મિત્રોનો પણ સહકાર શાળાને મળતો રહે છે. શાળાનું સંચાલક મંડળ પણ બાળકના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. શાળામાં બાળકને પ્રવેશ આપતી વખતે કોઈપણ પ્રકારનું ડોનેશન લેવામાં આવતું નથી જે શાળાનું દાદ માંગી લેતું જમા પાસું છે.
સંસ્થાના વિકાસકાર્યમાં વધુ એક છોગું વર્ષ ૨૦૨૨-૨૩ માં ઉમેરાયું અને એ છે ઉચ્ચતર માધ્યમિક પાસ કરી ચૂકેલા વિધ્યાર્થીઓને ગ્રેજ્યુએશનનું આગળનું ભણતર ઘર-આંગણે મળી રહે એ માટે કોલેજનું નિર્માણ. જેમાં Bachelor of Commerce નો અભ્યાસક્રમ સંસ્થાના પ્રાંગણમાં જ પૂરો કરી શકાય છે. આથી ઉચ્ચતર માધ્યમિક પછી આગળ ભણવા માંગતા વિધ્યાર્થી કે વિધ્યાર્થીનીઓને એક જ પટરાંગણમાં અભ્યાસનું સ્થળ ઉપલબ્ધ થઈ પડે.
આ સિવાય સંસ્થા અને સંસ્થાના સંસ્થાપકોનું એક સપનું એ પણ છે કે આગળ જો પરિસ્થિતિ સાનુકૂળ હશે તો સમાજના તરછોડાયેલા વૃદ્ધો અને વડીલોના ઉધ્ધાર માટે એક વૃધ્ધાશ્રમનું પણ નિર્માણ કરવું જેથી માનવ જીવનના ઉદય અને અસ્ત બંને સમયે જરૂરી દેખભાળ અને સારવાર જરૂરિયાતમંદોને મળી રહે અને કોઈ પણ માનવ પોતાને વિખૂટા પડેલ ન અનુભવે અને એમને પારિવારિક હૂંફ તેમજ સહકાર મળી રહે.
સમય અને સંજોગની આવશ્યક્તાને આધીન સંસ્થા દ્વારા અંગ્રેજી માધ્યમમાં પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવા કમર કસવામાં આવી જેની સફળતાના ફળ સ્વરૂપે સંસ્થાને વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ધોરણ ૧ થી ૫ સુધી અંગ્રેજી માધ્યમદ્વારા શિક્ષણ પૂરું પાડવાની પરવાનગી મળી તેમજ વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ધોરણ ૬ થી ૮ સુધીને અંગ્રેજી માધ્યમ દ્વારા શિક્ષણ પૂરું પાડવાની પરવાનગી મળી જેથી સંસ્થાના બાળકો સમાજ અને સમયસાથે માનભેર ખભા સાથે ખભો મેળવીને ચાલી શકે અને આધુનિક જમાનામાં અંગ્રેજી શિક્ષણના અભાવે પોતાને પાછળ છુટી ગયેલા ન અનુભવે.