-
-
-
Surat, Gujarat
Surat, Gujarat
“શ્રી મહાજન અનાથ બાળાશ્રમમાં અમારો ધ્યેય એ છે કે દરેક અનાથ બાળકને સંવેદનશીલતા, ગૌરવ અને તક પર આધારિત સંપૂર્ણ કાળજી અને ટેકો મળી રહે જેની સાર-સંભાળની એક નૈતિક જવાબદારી અમને કુદરત દ્વારા સોંપવામાં આવી છે. વર્ષ ૧૯૦૦ થી અમે એ પ્રેરણા અને જવાબદારીને પૂર્ણરીતે પ્રતિબદ્ધ છીએ કે દરેક બાળકને ફક્ત શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ અને શિક્ષણ જ નહીં પરંતુ તેમના સર્વાંગી વિકાસ માટે જરૂરી પોષણક્ષમ આહાર, આવાસ, શિક્ષણ, સહકાર અને માર્ગદર્શન પણ મળે.
સંસ્થાનો એક મહત્વપૂર્ણ અભિગમ એ માન્યતા પર આધારિત છે કે દરેક બાળક હૂંફ, પ્રેમ, સુરક્ષા, પરિવાર અને પ્રેમાળ વાતાવરણનું હકદાર છે. અમે એક ઘર જેવું વાતાવરણ બનાવવા માટે હરહમેંશ પ્રયત્નશીલ છીએ જ્યાં સંસ્થાના ભૂલકાઓને રહેવા, ભણવા અને ખુદને સક્ષમ બનાવવા જરૂરી આયામ અને એક સ્તર સુધી પહોંચવા આવશક્ય તમામ સહકાર મળે અને તમામ ભૂલકાઓ સશક્તિકરણ અનુભવે. સંસ્થા તમામ બાળકોનું વ્યક્તિગત ધ્યાન રાખવા અને વ્યક્તિગત કાળજી લેવા કાયમ અલગ અલગ યોજનાઓ અમલમાં લાવે છે અને એના દ્વારા સંસ્થા તેમની અનન્ય જરૂરિયાતો અને પડકારોને ઓળખી તેમને યોગ્ય માર્ગદર્શન સાથે સહકાર અને ભરોસો આપે છે જેના દ્વારા તમામ ભૂલકાઓ પોતાનાપણું અનુભવી પૂરતો આત્મવિશ્વાસ કેળવે.
સરકારી સહાયનો અભાવ હોવા છતાં સંસ્થા સમાજના નામાંકિત આગેવાનો અને સજ્જનોના તમામ પ્રકારના સહકાર થકી આ મિશનમાં સવાસો વર્ષોથી અડગ અને અભેદ ઊભી રહી છે અને આગળ પણ આ જ રીતે પોતાના મૂળભૂત સત્કાર્યના ઉદેશ્ય સાથે વિસ્તાર પામવા કટિબધ્ધ છે. સંસ્થાએ ઘણી વાર કપરા સમયનો પણ સામનો કરવો પડયો છે જેમાં સંસ્થાના આગેવાનોએ પોતાના સંસાધનો અને દાતાઓની ઉદારતા પર આધાર રાખીને આ સત્કાર્યની સરવાણી ચાલુ રાખી છે. સવાસો વર્ષના સમયગાળામાં અનાથ બાળકોની સેવા કરવાનું અમારું સમર્પણ વધુ મજબૂત બન્યું છે, કારણ કે સંસ્થા આ સમાજથી વિખૂટા પડેલા પોતાના સમુદાયની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે જરૂરી અનુકૂલન સાધે છે અને સંસ્થા પોતાના ઉમદા હેતુના વિકાસ કાજે અવિરત મહેનત કરતી રહે છે.
અમારો અંતિમ ધ્યેય દરેક બાળકને જીવનમાં સફળ થવા માટે જરૂરી કૌશલ્યો, જ્ઞાન, સન્માન, શિક્ષણ તેમજ સહકાર પ્રદાન કરવાનો છે. શિક્ષણ, જીવન ટકાવી રાખવાના કૌશલ્યો અને ભાવનાત્મક ટેકાનું મહત્વપૂર્ણ યોગદાન આપીને અમે અમારા બાળ પરિવારને સમાજમાં સકારાત્મક યોગદાન આપી શકે એવા માનવતાના હિમાયતી આત્મવિશ્વાસુ, સક્ષમ અને કરુણાવાન વ્યક્તિ બનવા માટે સશક્ત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
અમે જે પણ કરીએ છીએ તેમાં અમે અમારી સંભાળમાં બાળકોના કલ્યાણ અને સુખાકારી માટે અમારી અતૂટ પ્રતિબદ્ધતા દ્વારા માર્ગદર્શન આપીએ છીએ. તેમની ખુશી, આરોગ્ય અને સફળતા એ અમારા મિશનના કેન્દ્રમાં છે જે અમને આ કાર્યમાં વળગી રહેવા બળ પૂરું પાડે છે અને આ જ રીતે અમે સંસ્થાના દરેક બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અથાક મહેનત કરતા રહીએ છીએ."