-
-
-
Surat, Gujarat
Surat, Gujarat
સમય જ્યારે પરિસ્થિતિને મજબૂતીની ચોકસાઈના એરણ પર ચડાવે છે ને ત્યારે સારામાં સારા લોકો કે સારામાં સારી પ્રજાનું હિર પણ જાંખું પડી જતું હોય છે તો સમાન્ય પ્રજાની તો શું વિસાત ?
૧૮૯૯ થી ૧૯૦૨ સુધીના ૪ વર્ષમાં એક ઉપર એક નબળા વર્ષ વરસાદ વગરના ઉપરથી ખરીફ પાકનું પણ વળતર ધારણાથી ઘણું ઓછું અને અધૂરામાં પૂરી રવી પાછોતરા વરસાદ ન મળવાથી રવી પાક પણ મહદ અંશે નાશ પામ્યો.
આવા કપરા દુકાળમાં જિલ્લાના લગભગ તમામ ભાગને ગંભીર અસર થઈ અને એમાં પણ માંડવી, વાલોડ મહાલ, બારડોલી, ચીખલી તેમજ પારડીને તો જાણે મરણતોલ ફટકો પડ્યો હોય એ હદે નુકશાન થયું.
અધૂરામાં પૂરું ૧૯૦૧-૦૨માં ભયંકર પ્લેગ ફાટી નીકળ્યો અને થોડાઘણા બાકાત સુરક્ષિત પાક તેમજ ખેતપેદાશ ને તીડ તેમજ ઉંદરોના ટોળાએ ખૂબ ખરાબ કર્યો. જેથી સામાન્ય તેમજ ગરીબીરેખા નીચે જીવતી પ્રજાને તો પેટભરવા સૂકી રોટલી નસીબ થવી પણ જાણે એક સપનું બની ગયું.
૧૯૦૨ના ઑગસ્ટમાં અનહદ વરસાદ થવાથી લીલ્યો દુકાળ પડ્યો અને લોકોની હાલત દાઝ્યા માથે ડામ જેવી થઈ જેની નોંધ અને માહિતી સુરત જિલ્લા ગેઝેટીયર ૧૯૬૨ની છેલ્લી આવૃત્તિ, પ્રકરણ પાંચમા પાના નંબર ૪૨૩ પર જોવા મળી શકે છે.
સને ૧૯૦૨ (સવંત ૧૯૫૬ પછીનો ગાળો)માં દીવાળી પ્રસંગે નાણાંની ટહેલ નાખતો પરિપત્ર શ્રી સુરત મહાજન અનાથ બાળાશ્રમ દ્વારા સંસ્થાના લાભાર્થે પ્રજામાં વહેતો કરવામાં આવ્યો. જે નીચે મુજબ હતો.
સંવત ૧૯૫૬ના ભયંકર દુષ્કાળના સમયથી શ્રી સૂરત ખાતે નિરાધાર હિંદુ વર્ણનાં બાળકોનાં પ્રાણનાં તેમજ ધર્મનાં રક્ષણ અર્થે એક આશ્રમ ખોલવામાં આવ્યું છે. એ આશ્રમમાં, આપણી આર્ય ભૂમિના ગમે તે ભાગની અંદરથી આવતાં ગમે તે હિંદુ વર્ણનાં નિરાધાર છોકરા, યા છોકરીઓને દાખલ કરવામાં આવે છે ગુજરાત, કાઠિયા- વાડ, તેમ જ મહારાષ્ટ્રનાં ઘણાં નિરાધાર બાળકો અત્યાર સુધીમાં એ આશ્રમનો લાભ લઈ ચૂક્યાં છે અને ઘણાં હજુ પણ લેતાં રહે છે.
ગત વર્ષ આખુ હિંદુસ્તાન દુષ્કાળ પીડિત હતું, એ આપ સર્વે સજ્જનોને વિદિત છે. તેવા સમયમાં આ આશ્રમ ઉપર કેટલો બોજો આવી પડયો હશે, તેને ખ્યાલ કરવાને આપના ઉપર મૂકીએ છીએ.
દીપાવલીના શુભ પ્રસંગમાં આપે આ આશ્રમને યોગ્ય મદદ કરી આશ્રય આપ્યો છે તે માટે કમિટી આપની આભાર માને છે અને આશા રાખે છે કે નવા વર્ષની ખુશાલીમાં આપ સજ્જનો, જેવો આશ્રય ગત વર્ષમાં આપી અમને આભારી કર્યો છે, તેવો જ આશ્રય આપી આ એક લાયક ખાતાને મદદ કરશો. એ જ વિનંતી.
લી. - મનુભાઈ નાનાભાઈ હરિદાસ ઓનરરી સેક્રેટરી, મહાજન અનાથ બાળાશ્રમ, સૂરત
(આ હતી જે તે સમયની પરિસ્થિતિનું એક શબ્દચિત્ર)
મહાજન બાળાશ્રમની સ્થાપના બાળાશ્રમના પિતા શ્રી હરદેવરામનાં દ્રઢ નિશ્ચય થકી પોતાની ધરતી અને પોતાના દેશ માટે કંઇક કરી છૂટવાની ભાવના સાથે ૮ મી જુલાઇ ૧૯૦૦ નાં રોજ થઈ.
બાળાશ્રમની સ્થાપના પછી બાળાશ્રમની જાળવણી અને રોજીંદા ખર્ચને પહોંચી વળવા દુકાળના આ કપ્રા દિવસોમાં ખાસ્સા એવા મજબૂત આર્થિક યોગદાનની જરૂર પડવાની હોઈ શ્રી હરદેવરામ વકીલે એમના આ નિર્ણયનો અમલ કરતા પહેલા મદદની ટહેલ એમના ઇંગ્લેન્ડ સ્થિત મિત્ર જ્હોન સ્મેડલીને કરેલી. વકીલ શ્રી હરદેવરામ દ્વારા જે ટહેલ કરવામાં આવેલી એમાં જે તે સમયે ત્યારની હકીકતનું એક શબ્દચિત્રણ કરવામાં આવેલું જેનું લખાણ કંઇક આ મુજબ હતું.
“હાડકાં અને ચામડાનાં માટે હાડ-પિંજરો; ચહેરા ઉપર ભૂખમરો અને મોતની છાપ ખુલ્લી નજરે પડતા હતા, એમના શરીરમાંથી નાક ફાડી નાખે એવી તીવ્ર દુર્ગંધ નીકળતી હતી! બિચારા પશુ જેવા; ખાવાની લાલસામાં પશુથી પણ બદતર, ઝાડના મૂળિયાં કરડતા અને ધૂળના ફાકા મારતા!”
ઉપરોક્ત લખાણ વાંચી તેના પ્રત્યુતર રૂપે મિત્ર શ્રી જ્હોન સ્મેડલીનો ઉત્તર જે રીતે આવેલો તેનું સંક્ષિપ્ત લખાણ નીચે મુજબનું છે.
જે સમયે દુકાળમાં એક એક પાઈ અને એક એક આનો પણ દુર્લભ હોય અને જ્યાં એક એક રૂપિયો ગાડાના પૈડા સમાન મોટો ભાસતો હોય ત્યારે એવા કપરા સમયમાં લગભગ સ્વા ત્રણસો રૂપિયા જેવી માતબર રકમ તો એટલે ચોક્કસ એક દૈવીય ચમત્કાર સમાન કહેવાય જેને આપણૅ જો ૨૦૨૪ના ફુગાવા સાથે સરખાવીએ તો અંદાજે પોણા બે લાખ રૂપિયા જેવડી રકમ ચોક્કસ ગણી શકાય. સંસ્થાના પાયાના દાતા શ્રી જ્હોન સ્મેડલીનો પત્ર તેમજ તેનું ગુજરાતી ભાષાંતર આજે પણ સંસ્થા પાસે દસ્તાવેજીકરણ સ્વરૂપે ઉપલબ્ધ છે.
દુકાળના જ્યાં અધિકમાસ હોય ત્યાં આવી આશીર્વાદ સ્વરૂપી હૂંડી મહાદેવશ્રીના વરદાનથી જરા પણ ઓછી સાબિત નથી થતી તેમજ આ બીના એ સંદેશો પાઠવે છે કે જ્યારે જ્યારે નિર્દોષ માનવ હાડમારીમાં હોય છે ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા કોઈને કોઈ રસ્તે એમની વહારે ચોક્કસ આવે છે. કોઈ કોઈ જગ્યાએ એ વકીલ શ્રી હરદેવરામ બનીને આવે છે તો કોઈ કોઈ જગ્યાએ એ જ્હોન સ્મેડલી બનીને સહકારનો સેતુ બને છે.